Discover the Timeless Beauty of Shunya Palanpuris Poetry

Discover the Timeless Beauty of Shunya Palanpuris Poetry

October 25, 2025

શૂન્ય પાલનપુરી મુંબઈ ખાતે, જુલાઈ ૧૯૮૫.
જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૨૨
લીલાપુર, ગુજરાત
મૃત્યુ ૧૭ માર્ચ ૧૯૮૭ (ઉંમર 64)
પાલનપુર, ગુજરાત
અન્ય નામ શૂન્ય પાલનપુરી
વ્યવસાય શિક્ષક, લેખક
ભાષા ગુજરાતી, ઉર્દૂ, ફારસી
રાષ્ટ્રીયતા ભારતીય
સંતાનો તસનીમ (પુત્ર)

 

ગુજરાતી અને ઉર્દૂના ગઝલકાર. શૂન્ય પાલનપુરીનું મૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ હતું. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે થયો હતો. તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું, તેથી તેમનો ઉછેર પાલનપુરમાં તેમના મામાને ઘેર થયો હતો. બાળપણથી જ ઘરનો નિર્વાહ ચલાવવાના વિચારે તેમણે અલગ અલગ પરચૂરણ કામ કર્યાં. 1939માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે તેઓ ઉર્દૂમાં ગઝલ લખતા હતા. તેઓ ‘રૂમાની’, ‘રમ્ઝ’, અને ‘અઝલ’ એવા તખલ્લુસોથી ગઝલ લખતા હતા. પાલનપુરના નવાબની લાગણીને માન આપીને, અને પાલનપુરના નામને રોશન કરવા માટે તેમણે ‘અઝલ પાલનપુરી’ નામ સાથે ઉર્દૂ ગઝલ લખવાનું શરૂ કર્યું.

તે પછી 1943-44માં તેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં દાખલ થયા. ત્યાં પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ‘રુસ્વા મઝલૂમી’ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઈ. ઘાયલે તેમને પોતાનું તખલ્લુસ ‘શૂન્ય’ રાખવાનું સૂચન કરતાં તેમણે ‘શૂન્ય પાલનપુરી’ નામથી ગુજરાતીમાં ગઝલ લખવાનું શરૂ કર્યું.

1945માં તેઓ પાલનપુરની શ્રી અમીરબાઈ મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા અને ત્યાં સત્તર વર્ષ કામ કર્યા પછી મુંબઈના દૈનિક ‘પ્રજાતંત્ર’માં જોડાયા. તે પછી 1962થી ‘મુંબઈ સમાચાર’ના તંત્રીવિભાગમાં જોડાયા.

1945-46માં ‘ઇન્સાન’, ‘બે ઘડી મોજ’, ‘કારવાં’, ‘વતન’ વગેરે સામયિકોમાં શૂન્ય પાલનપુરીના નામે ગઝલો પ્રગટ થવા માંડી અને તેમનો પ્રથમ ગુજરાતી મુશાયરો 1947માં સુરતમાં થયો હતો.

‘શૂન્યનું સર્જન’ (1952), ‘શૂન્યનું વિસર્જન’ (1956), ‘શૂન્યના અવશેષ’ (1964), ‘શૂન્યનું સ્મારક’ (1972) અને ‘શૂન્યની સ્મૃતિ’ (1983) – એ એમના ગઝલસંગ્રહો છે. તેમના અવસાન પછી ‘શૂન્યનો વૈભવ’ (1992) અને ‘શૂન્યની સૃષ્ટિ’ જેવા તેમના સમગ્ર ગઝલોના સંચયો પણ પ્રકાશિત થયા છે. તેમની ચૂંટેલી ગઝલોના સંગ્રહનું નામ ‘દરબાર શૂન્યનો’ (2006) છે. ‘અરૂઝ’ (1968)માં ગઝલના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. ઉર્દૂ છંદશાસ્ત્રનો એમનો અભ્યાસ ‘અરૂઝ’માં પ્રગટ થયો છે.

તેઓ અંગ્રેજીના પણ જાણકાર હતા. ફારસીના પિંગળશાસ્ત્રના તેઓ જ્ઞાતા હતા. તેમણે ઉમર ખય્યામ(ખૈયામ)ની રુબાઈઓનો ગુજરાતીમાં અનુવાદ 1973માં આપ્યો છે. ‘ખૈયામ’ એ નામે એ અનુવાદ-સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. જીવનનાં છેલ્લાં વર્ષો તેમણે પાલનપુરમાં ગાળ્યાં હતાં.

 

રસ્તો નથી જડતો


કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

તમારા મનને જીતી લો તો હું માનું, “સિકંદર છો”,

નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.

સદા સંસારીઓ પર શ્રાપ છે સંતાપ સહેવાનો;

ધરાથી દૂર ઉડનારાને પડછાયો નથી અડતો.

બનાવીને સુરાલયનો ખુદા એને કરું સજદા!

બતાવો એક પણ એવો, નશો જેને નથી ચડતો!

નજર હો તો બતાવે છે બધું શ્રદ્ધા જ ઘર બેઠાં,

ફરે છે બાવરો થઈ શૂન્ય કાં જંગલમાં આથડતો?

 

હું નથી પૂછતો ઓ સમય! કે હજી

હું નથી પૂછતો ઓ સમય! કે હજી

તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?

એટલું પ્રેમથી માત્ર કહી દે મને

જોઈએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં

પ્રેમ તારો ખરેખર કસોટી જ છે

સાફ કહી દે કે, રાજી તને રાખવા

પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીનાં ઘણાં રૂપ છે

માત્ર આંસુ જ હોવાં જરૂરી નથી;

સ્મિત થઈને ફરકતા હશે હોઠ પર

વ્યક્ત થઈ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઈર્ષાથી પર ક્યાંય હોતો નથી

શબ્દથી વાત કેરું વતેસર થશે,

હોઠ સીવીને ચૂપચાપ જોતા રહો

મૌન પેદા કરે છે ભરમ કેટલા!

શ્વાસની જુનવાણી રસમના બળે

મોત જેવા તકાદા નભી જાય છે;

જિંદગી! તું જ કહી દે, આ કબ્રો ગણી

દમ વિનાના છે તારા નિયમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી

આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી;

એક ઈશ્વરને માટે મમત કેટલો?

એક શ્રદ્ધાને માટે ધરમ કેટલા?

 

તોફાનને સમર્પી, અણછાજતી મહત્તા

તોફાનને સમર્પી, અણછાજતી મહત્તા,

તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે!

હોડીનું એક રમકડું, તૂટ્યું તો થઈ ગયું શું?

મોજાંની બાળહઠ છે, સાગર! ક્ષમા કરી દે!

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ,

પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ;

તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,

મારી એ ધૃષ્ટતાને ઈશ્વર, ક્ષમા કરી દે!

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,

પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;

અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,

પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે!

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં,

તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;

હે મિત્ર! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,

આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે!

તું એક છે અને હું એક શૂન્ય છું પરંતુ,

મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;

એથી જ ઓ ગુમાની! જો હું કહું કે તું પણ

મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે!

 

ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે

ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે,

જાળવે છે ધૈર્ય પોતે દર્દનું ગૌરવ હવે.

ઝંખના નિષ્ફળ જતાં ઊઠી ગયો વિશ્વાસ પણ,

મનને ભરમાવી નથી શકતો કોઈ પગરવ હવે.

જ્યાં લગી ના ઝંપલાવ્યું ત્યાં લગી ભ્રમણા હતી;

ક્યાંય સાગરમાં નથી ઊંડાણનો સંભવ હવે.

પ્રેમની ભૂરકીમાં શી તાસીર છે ખુદ જોઈ લે,

કેટલો માદક છે તારા રૂપનો આસવ હવે!

ઘૂંઘવાયા પ્રાણ, ત્યારે તો હવા દીધી નહીં;

પાળિયા પર શીશ પટકે છે વૃથા વિપ્લવ હવે.

મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો

આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે.
 

ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાલી

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે, આ સૌંદર્ય-સૃષ્ટિની જાહોજલાલી;

ધરા છે અમારા હૃદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી.

અમે તો કવિ, કાળને નાથનારા, અમારે તો આઠે પ્રહર છે ખુશાલી;

આ બળબળતું હૈયું, આ ઝગમગતાં નયનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાલી!

મરણ ને જીવનનો ઇજારો સમર્પી, ફનાને અમરતાની આપી બહાલી;

સુરક્ષિત રહે એનાં સર્જન-રહસ્યો, એ ખાતર વિધાતા ગયો ચાલ ચાલી!

હજારો પથિક આ તિમિર-ઘેરા પથ પર, વિના તેજ અટવાઈ વલખી રહ્યાં છે!

જલાવી દે જીવન! નયન-દીપ તારાં, બનાવી દે બળતા હૃદયને મશાલી.

કોઈની લગનમાં નયનને નિચોવી, મેં ટપકાવી જે યાદ રૂપે રસેલી;

બની એ પ્રણયની અમરતાનું સ્મારક લઈ તાજની સર્વ જાહોજલાલી.

તિરસ્કૃત જીવન! આ તો છે મૃત્યુ-આંગણ; નથી કોઈના ઘરનો ઉંબર કે ડરીએ!

ગજું શું કે બેઠા પછી કોઈ અહીંથી, ઉઠાડે તને કે મને હાથ ઝાલી?

મને ગર્વ છે કે આ મારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે,

સિકંદરના મર્હૂમ કિસ્મતના સોગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી.

તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા;

કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી.

બધાં નામનો નાશ નક્કી છે કિંતુ, અમર નામ છે શૂન્ય મારું જગતમાં;

ફના થઈને પણ શૂન્ય રહેવાનો હું તો, નહીં થાય મુજ નામની પાયમાલી.

 

બધા ઓળખે છે

પરિચય છે મંદિરમાં દેવોને મારો,

અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;

નથી મારૂં વ્યક્તિત્વ છાનું કોઈથી,

તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,

અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે,

ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,

મને તારું સૌ મયકદા ઓળખે છે.

મેં લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસું,

કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,

ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની,

મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,

નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,

મળી છે અમોને જગા મોતીઓમાં;

તમોને ફક્ત બુદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,

દરદ સાથે સીધો પરિચય છે મારે,

હકીકતમાં હું એવો રોગી છું જેને,

બહુ સારી પેઠે દવા ઓળખે છે.

સ્વયં હું જ રાહી, સ્વયં હું જ મંઝિલ

મળી છે મને સ્થિરતા ધ્રુવ જેવી;

સદીઓથી મારી ખબર છે દિશાને

યુગોથી મને કાફલા ઓળખે છે

દિલે શૂન્ય, એવા જખ્મો સહ્યા છે,

કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો;

છું ધીરજનો મેરુ ખબર છે વફાને

દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે.
 

જાન ચાલી છે

(સ્વજનના મૃત્યુ પ્રસંગે લખેલી ગઝલ)

 

થયાં છે લોક ભેગાં કેમ? આ શાની ખુશાલી છે?

કોઈનો જાન ચાલ્યો કે કોઈની જાન ચાલી છે?

હવે ખુદ લાશ રઝળે છે, થઈ મોહતાજ કોડીની;

કઝાએ પણ ખરેખર, જિન્દગીની ચાલ ચાલી છે!

ઘડીમાં દીપ સળગે છે, ઘડીમાં ઓલવાયે છે;

અમારી આ જવાની છે કે પાગલની દિવાલી છે?

પતી જાય છે ઘરમેળે, અમારે દાન અશ્રુનું!

હૃદય પોતે જ દાતા છે, નયન પોતે સવાલી છે.

રડે છે કોણ એવું પોક મૂકી શૂન્યના શબ પર?

મને લાગે છે એ રઝળી પડેલી પાયમાલી છે!!

 

જવાની ફૂલોની

આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની,

કળીઓને કહી દો સંભળાવે, રંગીન કહાની ફૂલોની.

સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂંટો ચાલે છે,

ફૂલો તો બિચારાં શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની.

અધિકાર હશે કૈં કાંટાનો, એની તો રહી ના લેશ ખબર,

ચિરાઈ ગયો પાલવ જ્યારે, છેડી મેં જવાની ફૂલોની

ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર?

કાંટાની અદાલત બેઠી કાં લેવાને જુબાની ફૂલોની?

ઝૂરંતો પરિમલ ભટકે છે કાં વહેલી સવારે ઉપવનમાં?

વ્યાકુળ છે કોના દર્શનની એ રડતી જવાની ફૂલોની?

બે પળ આ જીવનની રંગત છે, બે પળ આ ચમનની શોભા છે,

સંભળાય છે નિશદિન કળીઓને આ બોધ કહાની ફૂલોની.

તું ‘શૂન્ય’ કવિને શું જાણે? એ કેવો રૂપનો પાગલ છે!

રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

discover-the-timeless-beauty-of-shunya-palanpuris-poetry-0

Leave a Comment on this Blog